દિલ કેરા દાગ મિટા દે મેરે ભાઈ… (કંથડનાથ / ગંગેવદાસ)
દલડાનો દાગ મિટાઈ દે‚ મેરે ભાઈ
મનડાનો મેલ પરો કર મેરે ભાઈ.
સરજનહારને સત કરી સમરો વીરા‚ હરદમ સરસતી માઈ ;
નમણું કરી લે ગોરા પીરાની વીરા‚ ગણપત અકલ બતાઈ ;
રામ દલડાનો દાગ મિટાઈ દે‚ મેરે ભાઈ
મનડાનો મેલ ધોઈ કરી ડારો વીરા‚ સુમિરન સાબુ લગાઈ ;
સુરતા શિલા પર ઝટકી પછાડો‚ હોંશે હોંશે વધે ઊજળાઈ ;
રામ દલડાનો દાગ મિટાઈ દે‚ મેરે ભાઈ
નિયમ ધરમકા નાવ ચલાઈ લે‚ વીરા ! છલોછલ જાઈ ;
પાંચ કેવટિયા વસે કાયામાં વીરા‚ સે જે પાર ઉતરાઈ ;
રામ દલડાનો દાગ મિટાઈ દે‚ મેરે ભાઈ
અંધા હોઈકર ચલે ભટકતા વીરા‚ અંખિયું મેં અંધી કેસે આઈ ;
દિલડા ગલત હે નેનું કે અગાડે‚ સદગુરુ સાન બતાઈ ;
રામ દલડાનો દાગ મિટાઈ દે‚ મેરે ભાઈ
સાધુ રે સંતને તમે અપના કરી જાણો વીરા‚ નુગરાએ કેસી સગાઈ ;
ઉન નુગરાસે પલો નવ પકડો વીરા‚ પલમાં દેશે ડુબાઈ ;
રામ દલડાનો દાગ મિટાઈ દે‚ મેરે ભાઈ
ગંગેવદાસને ગુરુ સમરથ મળિયા વીરા‚ તનડાની તલપ બુઝાઈ ;
કંથડનાથજી રાખો હજૂરીમાં વીરા‚ કિરપા કરો રઘુરાઈ ;
રામ દલડાનો દાગ મિટાઈ દે‚ મેરે ભાઈ