તારાપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?
આમ આયનાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?
શાશ્વત મિલનથી… તે સનાતન દૂરતાના સંભવોનું આંધળું આકાશ છું
નિશ્ચિતપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?
હું તો હવાના ગર્ભમાં લજ્જામણી જેવા સુકોમળ શ્વાસનું હોવાપણું
નખ-ટેરવાંના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?
ભાંગ્યો-તૂટ્યો અક્ષર છું, સહુ સંકેતના ચહેરા ઉપર હું ઝીણું ઝીણું ઝળહળું
શબ્દાંધતાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?
જળ છું બરફ છું ભેજ છું ઝાકળ છું વાદળ છું સતત મૃગજળ સુધી ભીનો જ છું
તરસ્યા વિનાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?
અસ્તિત્વના ચારે તરફ ધસમસ થતાં આ પૂર વચ્ચે એક અવિચળ સ્તંભ છું.
માટીપગાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?
-જવાહર બક્ષી
થોડા મહીના પહેલાંની ઈંડિયાની ટ્રીપ પર જવાહર બક્ષીનો ગઝલસંગ્રહ તારાપણાના શહેરમાં ખરીદેલો. જ.બ.નો પરિચય મને ખાસ નહીં. ગયા અઠવાડિયે અચાનક તારાપણાના શહેરમાં હાથ લાગી ગયો. આ સંગ્રહમાં એટલી બધી મઝાની ગઝલો છે કે મને ગમતી ગઝલો અહીં એક પછી એક મૂકવા માંડુ તો આખો મહીનો બીજું કંઈ લયસ્તરો પર મૂકવાની જરૂર પડે જ નહીં ! વિવિધ ભાત પાડતી, વિશિષ્ટ અર્થવિશ્વ જ્ન્માવતી, વિચારપ્રેરક ગઝલોની અહીં જાણે વણઝાર જ જોઈ લો. ઉપર રજૂ કરેલી ટાઈટલ ગઝલ (ટાઈટલ સોંગની જેમ ટાયટલ ગઝલ!) સંગ્રહના મિજાજનુ ખરું પ્રતિબિંબ પાડે છે. આ ઉપરાંત, આ સંગ્રહમાં ગઝલની સાથેસાથે અશ્વિન મહેતાના છબિ-કાવ્યો (આટલા સુંદર ફોટોગ્રાફ્સને બીજું કાંઈ પણ કહેવું ગુનો છે!) બોનસ તરીકે મૂક્યા છે. તારાપણાના શહેરમાં દરેક ગુજરાતી ગઝલપ્રેમી માટે આવશ્યક વાંચન છે.