ઝુંપડીએ કો'ક તો જાજો, એના મેમાન તો થાજો
ઝુંપડીએ કો'ક તો જાજો, એના મેમાન તો થાજો
આશરો એનો સાવ છે નાનો, આભ જેવડો આવકાર
અંગ ભલે નહિં ઉજળા એના, દિલ જોજો દરીયાવ.
ઝુંપડીએ કો'ક તો જાજો...
પંડ ભૂખ્યા રહી પીરસી દેશે, પ્રેમભીના પકવાન
દુ:ખ સુણે ત્યાં તો માથડા દેવા, આખું કુળ થાશે કુરબાન.
ઝુંપડીએ કો'ક તો જાજો...
આજ મળ્યું પછી આવતા દિ'ની, રેડશે નહીં કયાંય રાવ
ટંક ચુકે તોય મુખડા માથે, ભાળશો નહીં બીજો ભાવ.
ઝુંપડીએ કો'ક તો જાજો...
અર્ધ ફાટેલા ઓઢણે ઢાંકી, અંગડા કેરી આન
પારકી જાતા આપ કવિ, એ પાથરી દેશે પ્રાણ.
ઝુંપડીએ કો'ક તો જાજો...