હજી દર્દની અસર છે,મને એટલી ખબર છે,
રહે રોજ આંખ તર છે,મને એટલી ખબર છે.
ઘણાં વિઘ્ન પંથ પર છે,છતાં ચાલતો રહું છું,
કે આ પ્રેમની સફર છે,મને એટલી ખબર છે.
ન કબૂલે વાત દિલની, ન લે કામ જે સમજથી,
એ તો થાય દરબદર છે,મને એટલી ખબર છે.
રહી છે સદા બહારો અને મ્હેકતી સવારો,
મેં ન જોઈ પાનખર છે,મને એટલી ખબર છે.
જતાં-આવતાં મને એ મળી જાય છે અચાનક,
અહીં માર્ગમાંજ ઘર છે,મને એટલી ખબર છે.
ઘણી નામના મળી છે,ઘણી આબરૂ વધી છે,
છતાં હોશમાં નઝર છે,મને એટલી ખબર છે.