મેળાપનો ઉચાટ ન અણધાર્યું કરી બેસે!
હૈયાનો આ રઘવાટ ન અણધાર્યું કરી બેસે!
જાગી છે ઝંખનાઓ બ્રહ્માંડ પામવાની,
વામન બની વિરાટ ન અણધાર્યું કરી બેસે!
સંભાળજે બરાબર,પરદાને ઓ પ્રભુજી!
દર્શનનો આ તલસાટ ન અણધાર્યું કરી બેસે!
સમજીને કંઈક રસ્તો કાઢો હજુય નહિતર-
કાયમનો આ કકળાટ ન અણધાર્યું કરી બેસે!
સંભાળજે ઓ સાધક!તૂટે ન સાધન તુજ,
ચાંદીનો આ ચળકાટ ન અણધાર્યું કરી બેસે!
આવી રહ્યાં છે પાપી ધોવાને પાપ નિજનાં,
ગંગાજીનો આ ઘાટ ન અણધાર્યું કરી બેસે!
’નાઝિર’ને મળી જાજો,પાગલનો શો ભરોસો?
જોઈ તમારી વાટ ન અણધાર્યું કરી બેસે!