હું આશ શે રાખું મુક્તિની, જંઝીર બે ડગલાં આગળ છે,
હું જ્યાં જ્યાં જાઉં છું ત્યાં ત્યાં તકદીર બે ડગલાં આગળ છે.
હું તારી મૂરત છોડીને ચાલ્યો તો ગયો આઘે કિન્તુ-
જે આંખ મહીં કંડારી એ તસ્વીર બે ડગલાં આગળ છે.
આ મૃગજળ જેવી દુનિયા પણ દેખાવ કરીને મારે છે,
શે મનમૃગલાને સમજાવું કે નીર બે ડગલાં આગળ છે.
ના પૂરા મનોરથ કંઈયે થયા,હું રાખી ટેક હતાશ થયો,
મેં પથ્થર માતર માન્યા પીર,પણ પીર બે ડગલાં આગળ છે.
આરામની આશા રાખીશમા ’નાઝિર’!તું કદીયે સ્વર્ગ મહીં,
કારણ કે તારા જીવનની તાસીર બે ડગલાં આગળ છે.