પ્રભુના શીશ પર મારું સદન થઈ જાય તો સારું;
ભલે ગંગા સમુંયે મુજ પતન થઈ જાય તો સારું.
નહીં તો દિલ બળેલાં ક્યાંક બાળી દે નહીં જગને;
પતંગા ને શમા કેરું મિલન થઈ જાય તો સારું.
એ અધવચથી જ મારાં દ્વાર પર પાછાં ફરી આવે,
જો એવું માર્ગમાં કંઈ અપશુકન થઈ જાય તો સારું.
નહીં તો આ મિલનની પળ મને પાગલ કરી દેશે;
હ્રદય ઉછાંછળું છે,જો સહન થઈ જાય તો સારું.
કળીને શું ખબર હોયે ખિઝાં શું ને બહારો શું;
અનુભવ કાજ વિકસીને સુમન થઈ જાય તો સારું.
જીવનભર સાથ દેનારા!છે ઇચ્છા આખરી મારી;
દફન તારે જ હાથે તન-બદન થઈ જાય તો સારું.
વગર મોતે મરી જાશે આ ‘નાઝિર’ હર્ષનો માર્યો;
ખુશી કેરુંય જો થોડું રૂદન થઈ જાય તો સારું.