એને પડી ન હોય ને જ્યાં ત્યાં ફર્યા કરે,
એવું તે કોણ હોય એને કરગર્યા કરે!
કીધું હજાર વાર ,ન આવ્યાં એ આંગણે,
વારાઘડીએ કોણ એને નોતર્યા કરે!
એનાથી પ્રેમ કેરી અપેક્ષા શે રાખવી?-
મનમાં જ જેઓ રાંડે ને મનમાં વર્યા કરે.
એકાદવાર મેંય નજર ફેરવી લીધી,
છોને હવે બધાં ને એ વાતો કર્યા કરે.
’નાઝિર’! ખરી તો એ જ ઈબાદત છે ઈશની-
વ્યક્તિ ન હોય તોય સતત સાંભર્યા કરે.