છાંટા ઉડ્યા છે રંગના,પૂરો ચડ્યો છે રંગ ક્યાં?
આરંભ આ તો છે હજી,લાગી છે અંગ અંગ ક્યાં?
તારો નિવાસ છોડીને જાયે છે એને સંગ ક્યાં?
હે દિલ! હજુ તેં એમના જોયા છે રંગ ઢંગ ક્યાં?
જોઈ શક્યો નહીં જલન શાને પતંગ જ્યોતમાં?
સાચું કહી દે ઓ શમા! કીધો’તો એને દંગ ક્યાં?
છે ગર્વ કેટલો જુઓ,નિજ રૂપ કેરો એમને,
ચરણે ધર્યું ગુલાબ તો કીધું કે આમાં રંગ ક્યાં?
મંઝિલ રહી’તી બે કદમ,ચાલી શક્યાં નહીં કદમ,
’નાઝિર’!રહી ગયો એ ગમ,સાથી બન્યાં અપંગ ક્યાં?