ખુશીથી કોઇને જ્યારે મરી જાવાની ઇચ્છા થઈ;
તો ત્યાંથી કાળને પાછા ફરી જાવાની ઇચ્છા થઈ.
ન પૂછો કે કળીને કાં ખરી જાવાની ઇચ્છા થઈ;
ઘણાંને મોત પહેલાં પણ મરી જાવાની ઇચ્છા થઈ.
નયનથી જ્યારે અશ્રુને સરી જાવાની ઇચ્છા થઈ;
ગગનથી કંઈક તારકને ખરી જાવાની ઇચ્છા થઈ.
મજા એ માણવા આવ્યા હતા જ્યારે પ્રભા કેરી ;
જીવનના દીપને ત્યારે ઠરી જાવાની ઇચ્છા થઈ.
પડ્યાં મોજાંઓ નૌકામાં ચરણને સ્પર્શવા એના;
શું સાગરનેય ભવસાગર તરી જાવાની ઇચ્છા થઈ?
બની તન્મય પ્રતિમા કોતરી, નીરખી જ્યાં શિલ્પીએ;
તો પોતાને જ એના દમ ભરી જાવાની ઇચ્છા થઈ.
ફરે ના કોઈ કાળે પણ વલણ આ વિશ્વનું “નાઝિર”!
અમારે કારણે એને ફરી જાવાની ઇચ્છા થઈ.