લોહી છે નસેનસમાં, ત્યાં લગી સગાઈ છે,
ત્યાં લગી જ વૈભવ છે,
એ બધું જશે ત્યારે કોઈ ના સગું થાશે,
કંઇકનો અનુભવ છે.
મોંએ ખૂબ મીઠાં છે, આમ તો રૂપાળાં છે,
માત્ર મનનાં મેલાં છે,
એટલે તો લાગે છે નિત્ય એ કમળ જેવાં,
પેટમાંહે કાદવ છે.
એમને પિછાણું છું, રોજ એને માણું છું,
એમની જ સંગાથે,
ઓળખાણ આપી દઉં, એ જ મારા દુશ્મન છે,
જેઓ મારા બાંધવ છે.
શ્વાસ જ્યારે ઘૂંટાશે, જીવ જ્યારે ગભરાશે,
આંખે ઓછું દેખાશે,
હાથ આડા દેશે ના સાહ્યબી તને ‘નાઝિર!’,
જેનું તુજને ગૌરવ છે.
દર્શ એનાં થઈ જાશે એક પળ કે બે પળમાં,
જોઈ લેજે ‘નાઝિર’ તું,
આવવાનો મંદિરમાં,આજ એનો દિવસ છે,
એવો થોડો સંભવ છે.