LexicVerse
Ghazal

લાજ રાખી છે

✍Nazir Dekhaiya
♡ Save
અમે એવી રીતે કપરા સમયની લાજ રાખી છે,
સદા હસતું વદન રાખી વિજયની લાજ રાખી છે.

કોઈને જાણ પણ થાવા નથી દીધી ય હાલતની,
કે તારું ઓઢણું ઓઢી પ્રણયની લાજ રાખી છે.

સદાયે મૌન સેવીને દીધી છે તક હરીફોને,
અમે ખુદ અસ્ત પામીને ઉદયની લાજ રાખી છે.

બીજાની દેખતાં મુજને તમે વાર્યો એ સારું છે,
તમે નિજ મનને મારીને પ્રણયની લાજ રાખી છે.

અજાણ્યા થઈ અને પૂછ્યું : ‘થયું શું આજ ‘નાઝિર’ને ?’
બીજાની વાત છેડીને વિષયની લાજ રાખી છે.

પડ્યો જેવો સમય ‘નાઝિર’ અમે એવી રીતે વર્ત્યા,
અમે રાખીને મોટું મન સમયની લાજ રાખી છે.

Related Lyrics

दर्द-ए- दिल अपना सुना कर मुझे क्या लेना है

બે ડગલાં આગળ છે

Nazir Dekhaiya

ન અણધાર્યું કરી બેસે!

Nazir Dekhaiya

છેલ્લી ઘડી

Nazir Dekhaiya