ચણભણ ચણભણ વાત કરે છે શાની મુજ લત્તાના લોક?
તાકી તાકી કેમ જુએ છે મુજને સૌ રસ્તાના લોક?
કાં તો લાગે છે કે મુજ ભૂતકાળની વાતો ચાલે છે,
કાં તો મુજને લાગે છે મુજ કાળની વાતો ચાલે છે ,
લાવ જઈને પૂછી લઉં કે શું કે’છે દુનિયાના લોક ?
વાત બની શી સાંભળવાને હું ચાલ્યો લોકો પાસે,
શત્રુ-સ્નેહી ,વ્હાલાં-દવલાં સૌ આવ્યાં અધ્ધર શ્વાસે,
પગ મૂકયો જ્યાં ફળિયામાં મેં ઘેરી વળ્યા ફળિયાના લોક .
વાતમાં કંઈયે માલ નથી ને અમથી રાડો પાડે છે,
બીજાનું સુખ જોઈ શકે ના,એથી ત્રાડો પાડે છે,
પેટમાં દુ:ખે છે ને માથું કૂટે છે અમથાના લોક.
ચારે દિશ મેં નજર કરી પણ કારણ કંઈ ના દેખાયું,
નીરખી-નીરખી જોયાં સૌને ‘નાઝિર’,ત્યારે સમજાયું,
આ તો છે અફવાવાળાઓ ભાડૂતી પૈસાના લોક .
‘નાઝિર’ દેખૈયા
(‘નાઝિર’નું અમુક સર્જન પ્રકાશિત થયું નથી. હાલમાં એમના પુત્ર અફઝલહુસેન એ અને નાઝિરના શિષ્ય સ્વ. રાહી ઓધારિયાએ દાદાના મૃત્યુ બાદ એમની રચનાઓ એક ડાયરીમાં નોંધી રાખેલી એમાંથી આ રચના છે.)