કૃપાળુની કૃપા હો, સહેલ છે મશહૂર થઇ જાવું,
નકર મુશ્કેલ છે પથ્થરનું કોહિનૂર થઈ જાવું.
તમે એવી તો કંઇ બાધા નથી લીધી ને જીવનમાં-
કે મારી દૃષ્ટિથી કાયમ તમારે દૂર થઈ જાવું?
સલામત આગની પાસે કદી પારો નથી રહેતો,
બહુ કપરું છે આ દુનિયા કને મંજૂર થઈ જાવું.
બસ રંગત પ્યારની ત્યારે જ જામી જાય મન મારા!
નિમંત્રણ એ દિયે ને આપણે મજબૂર થઈ જાવું.